ડો. યોગેન્દ્ર ધીરુભાઈ વ્યાસઃ (6 ઓક્ટોબર, 1940)

Sigmund Freud Photo

ગુજરાતી ભાષાનો ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ કરનાર વિરલ વિદ્વાનોમાંના એક યોગેન્દ્ર વ્યાસ મૂળ ભાલોદના વતની. પરંતુ તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક તથા કોલેજનું શિક્ષણ અમદાવાદમાં જ મેળવ્યું. ૧૯૬૧માં ગુજરાત કોલેજમાંથી ગુજરાતી – સંસ્કૃત સાથે બી.એ. કરી ગુજરાતી – ભાષાવિજ્ઞાન સાથે તેમણે એમ.એ. કર્યું. સાથે સાથે ૧૯૬૧-૬૩ દરમ્યાન ગુજરાત કોલેજમાંથી ‘દક્ષિણા ફેલો’ થઈને ૧૯૬૩માં ડેક્કન કોલેજ, પૂના ખાતે પી.જી. ડિપ્લોમા ઈન લિંગ્વીસ્ટીક્સ-નો અભ્યાસ કર્યો. ૧૯૬૭માં દિલ્હી યુનિ.ના ભાષાવિજ્ઞાન વિભાગના વડા ડો. પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ‘અ લિંગ્વિસ્ટિક સ્ટડી ઑફ ભીલી ડાયલેક્ટ્સ (અ ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી ઑફ સેન્ટ્રલ એન્ડ નોર્થ ભીલી)’ પર ગુજરાત યુનિ.માંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.

વ્યાવસાયિક કારકિર્દીના આરંભે એમણે મહિલા કોલેજ, સુરેન્દ્રનગરના આચાર્ય તરીકે, લીએન પર ડેક્કન કોલેજ, પૂના ખાતે ફેલો અને વિઝિટીંગ ફેકલ્ટી તરીકે ફરજ બજાવી. ત્યાર બાદ અમદાવાદની સરસપુર આર્ટ્સ – કોમર્સ કોલેજ ખાતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને આચાર્ય તરીકે ફરજ બજાવી. ૧૯૬૯માં ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિ.માં અધ્યાપક તરીકે જોડાયા અને ૨૦૦૦થી ભવનના નિયામક તરીકેની ફરજ બજાવીને ૨૦૦૨માં નિવૃત્ત થયા. ૧૯૭૩-૭૪ દરમ્યાન બી.એમ.ઈન્સ્ટીટ્યુટ, અમદાવાદમાં ‘સ્પીચ થેરપી’ના વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કર્યું.

તેમના ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૩), ‘ભીલીની કિશોરકથાઓ’ તથા ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ (૧૯૭૭), ‘સામાજિક ભાષાવિજ્ઞાનઃSocio-Linguistics’ (૧૯૮૩), ‘શબ્દાર્થચર્ચા’(૨૦૦૨), ‘ચાલો હસી લઈએ’ (૨૦૦૭) –ને ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી શ્રેષ્ઠ પુસ્તકોનાં પારિતોષિકો મળ્યાં છે. ૧૯૭૩માં હરિૐ આશ્રમના ‘શ્રેષ્ઠ સંશોધન લેખ’ માટે પણ તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તો ૧૯૯૭માં અમદાવાદ શહેર શિક્ષણ સમિતિએ તેમનું ‘સન્નિષ્ઠ શિક્ષક’ તરીકે સન્માન કર્યું છે.

ડો.યોગેન્દ્ર વ્યાસે ભાષાવિજ્ઞાનની વિવિધ શાખાઓનો અભ્યાસ કરી તેની ફળશ્રુતિ રૂપે વિવિધ પુસ્તકો પ્રગટ કર્યાં. આ ઉપરાંત તેમણે સર્જનાત્મક સાહિત્ય, જીવનઉપયોગી સાહિત્ય પણ આપ્યું છે. તેમના વૈવિધ્યસભર પુસ્તકો ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ (૧૯૬૬) બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ (૧૯૭૩) ભાષા, સમાજ અને સાહિત્ય (૧૯૭૪) ગુજરાતી ભાષાનું વ્યાકરણ (૧૯૭૭) ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ (૧૯૭૯) સામાજિક ભાષાવિજ્ઞાન (૧૯૮૩) ભાષાસજ્જતા અને લેખન-કૌશલ (૧૯૮૫), વાક્-કૌશલ (૧૯૮૮), વાચન કૌશલ (૧૯૮૮) પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષણ (૨૦૦૦) કોશરચના અને જોડણી (૨૦૦૦) (સંયુક્ત), ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ (૨૦૦૨), શબ્દાર્થ ચર્ચા (૨૦૦૨), ‘ગુજરાતી ભાષાનો શબ્દાર્થકોશ’ (૨૦૧૧, સંયુક્ત), ઉપરાંત ભીલીની કિશોરકથાઓ (૧૯૭૭), મનોરંજક બોધકથાઓ(૧૯૭૯) , બે કિનારાની વચ્ચે (૧૯૮૩), કૃષ્ણજન્મ (૧૯૮૩), દીવો ન બૂઝે (૧૯૮૬), શ્રી કૃષ્ણ(૧૯૮૭), શ્રી રામ(૧૯૮૮), સફળતાની દિશામાં (૧૯૯૧), અપ્તરંગી કિરણોનો માળો (૨૦૦૨), આનંદયાત્રાના સાથીઓ (૨૦૦૨), સુવાસની લ્હાણી (૨૦૦૫), ચાલો થોડું હસી લઈએ (૨૦૦૭), સર્જન-વિસર્જન (૨૦૦૮) -નો સમાવેશ થાય છે.

તેમણે ભાષાવિજ્ઞાનની વિવિધ શાખાઓના સૈદ્ધાંતિક અભ્યાસની ગુજરાતીમાં વિગતે ચર્ચા કરી. ‘ભાષા અને તેનું ભૌતિક સ્વરૂપ’ (૧૯૬૬)માં ભાષાના ધ્વનિનો - ‘ઉચ્ચારણમૂલક’, ‘શ્રવણમૂલક’ અને ‘વહનમૂલક’ – દૃષ્ટિએ અભ્યાસ કરવામાં આવ્યો છે. તો પશ્ચિમના અભ્યાસમાંથી વિકસેલી વિવિધ આંતરવિદ્યાકીય અભ્યાસમાંની એક વિચારણા ‘સામાજિક -ભાષાવિજ્ઞાન’નો સૈદ્ધાંતિક અભ્યાસ કરી આપણા સમાજના સંદર્ભમાં તેનું મૂલ્ય અને ઉપયોગિતા ‘સામાજિક ભાષાવિજ્ઞાનઃ Socio-Linguistics’ (૧૯૮૩)માં સોદાહરણ નિરૂપી છે. ભાષા સમાજથી શી રીતે પ્રભાવિત થાય છે, ભાષામાં સામાજિક માળખાનો, ધાર્મિક માન્યતા તેમજ સ્ત્રી-પુરુષના ભેદ જેવાં પરિબળોનો પ્રભાવ કેવી રીતે પ્રતિબિંબિત થાય છે, સમાજ અને ભાષાપરિવર્તન – બન્ને કેવી રીતે સંકળાયેલાં છે એવા મુદ્દાઓની અહીં વિચારણા કરવામાં આવી છે. તે ઉપરાંત, ભાષા તરફનું ભાષકોનું વલણ, માતૃભાષાના પ્રશ્નો, રાજભાષા અને રાષ્ટ્રભાષાની સમસ્યાઓ, ભાષાઆયોજન વગેરેની પણ ચર્ચા કરવામાં આવી છે.

ભાષાવિમર્શની સાથે અવિનાભાવિ સંબંધ ધરાવતી બોલીઓ વિશેના પુસ્તક ‘બોલીવિજ્ઞાન અને ગુજરાતની બોલીઓ’ (૧૯૭૩)માં પહેલાં બોલી અંગેના કેટલાક વિભાવોની સૈદ્ધાંતિક ચર્ચા કરીને તેમણે ગુજરાતી બોલીઓની ભાષાસામગ્રી અંગે ચર્ચા કરી છે. ભારતની ભાષાઓ, ગુજરાતની બોલીઓની આંકડાકીય માહિતી આપી છે. તે ઉપરાંત, બોલીનો અભ્યાસ કરવા માટેના ફિલ્ડવર્ક અને એકઠી થયેલી સામગ્રીને આધારે તારણો સુધી પહોંચવાની દિશા પણ, દૃષ્ટાંતરૂપ નમૂનાઓ આપી વર્ણવી છે. ગુજરાતી ભાષામાં આ પ્રકારનું આ પહેલું કાર્ય હોવાથી જ ડો. હરિવલ્લભ ભાયાણીએ કહ્યું કે ‘બોલીઓના વૈજ્ઞાનિક અભ્યાસની દૃષ્ટિ અને કાર્યપદ્ધતિને લગતું આ પહેલું ગુજરાતી પુસ્તક છે.’

‘ભાષા, સમાજ અને સાહિત્ય’(૧૯૭૪)માં તેમણે કરેલા વિવિધ અભ્યાસલેખોનું સંપાદન કરવામાં આવ્યું છે. આ અભ્યાસલેખોમાં ‘ભાષા’, ‘ભાષાઃ માનવ સંસ્કૃતિની સાથી’ જેવા ભાષાને લગતા લેખો; ‘આદિ લેખન અને સાહિત્ય’, ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્ય’, ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન’ જેવા ભાષાવિજ્ઞાન અને સાહિત્યને સાંકળતા લેખો; ‘વસંતવિજય’ કે ‘વળામણાં’ જેવી પદ્ય-ગદ્ય કૃતિઓનો શૈલીવિજ્ઞાનની દૃષ્ટિએ આસ્વાદ કે નિરજંન ભગત જેવા કવિની કાવ્યશૈલીનો ભાષાવૈજ્ઞાનિક દૃષ્ટિથી કરેલો અભ્યાસ અને કે.હ.ધ્રુવ, રમણભાઈ કે કમળાશંકર ત્રિવેદી જેવા ભાષાશાસ્ત્રીઓના કાર્યની વિશદ નોંધ લેતા લેખોનો સમાવેશ થાય છે. વળી, પરિશિષ્ટમાં સમાવેલા ‘ભાષાવિજ્ઞાનના અગત્યના વિભાવો’ વિશેની નોંધ કે ‘સંરચનાવાદી ભાષાવિજ્ઞાનઃ સુસુરથી ચોમ્સ્કી’ જેવા લેખો પણ વિદ્યાર્થીઓ કે અધ્યાપકો માટે તો મહત્ત્વના છે જ.

મોટે ભાગે ગુજરાતી ભાષાના વ્યાકરણ સંસ્કૃત પરંપરા અનુસાર લખાયા છે. એ પરંપરાથી ઉફરા ચાલીને ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’(૧૯૭૭)માં તેમણે ગુજરાતી ભાષાના ધ્વનિઓ, રૂપ અને રચના (પ્રત્યય, સંધિ, સમાસ), વાક્યનું સ્વરૂપ, તેના પ્રકારો તેમજ ગુજરાતી ભાષાના ભાષાકીય ઘટકોની વ્યવસ્થાના નિયમો વૈજ્ઞાનિક અભિગમથી સરળ રીતે નિરૂપ્યા છે.

યોગેન્દ્ર વ્યાસની ભાષક તરીકેની સૂઝ અને વૈજ્ઞાનિક અભિગમથી અભ્યાસ કરવાની ક્ષમતા ‘શબ્દાર્થચર્ચા’(૨૦૦૨)માં પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમણે, નજીકના જણાતા, આમંત્રણ – નિમંત્રણ જેવા સમાનાર્થી શબ્દો વચ્ચે રહેલા આંશિક ભેદને વપરાશને આધારે શોધીને રજૂ કર્યા છે.

ગુજરાતી ભાષાના અભ્યાસ સાથે સંકળાયેલું ‘કોશરચના અને જોડણી’ (૧૯૯૯) પુસ્તકમાં જોડણી વિશેનાં પ્રકરણોમાં યોગેન્દ્ર વ્યાસે જોડણીના નિયમો ઘડવામાં વૈજ્ઞાનિક અભિગમ સ્વીકારવા જણાવ્યું છે. અહીં તેમણે જોડણીના નિયમો માટે ઉચ્ચારણશાસ્ત્ર આદિના જ્ઞાન ઉપરાંત ભાષકના વલણને પણ મહત્ત્વ આપ્યું છે.

મૂળભૂત રીતે શિક્ષક એવા ડો.યોગેન્દ્ર વ્યાસે પોતાના જ્ઞાનને બે રીતે શિક્ષણ સાથે સાંકળ્યું છે. ૧) ભાષાવિજ્ઞાનના જ્ઞાનની મદદથી વર્ગશિક્ષણ. અને ૨) વિદ્યાર્થીઓને ભાષાપ્રયોગ અને ભાષાસજ્જતા અંગે માર્ગદર્શન.

ભાષાવિજ્ઞાન ‘ભાષા’નું વિજ્ઞાન છે. ભાષા ‘બોલાય, લખાય, સંભળાય તેમજ વંચાય’ છે. એટલે કે જો ‘ભાષા’માં કુશળતા મેળવવી હોય તો આ ચારે બાબતમાં કુશળતા મેળવવી પડે. તેમણે ‘ભાષાવિજ્ઞાન અને ભાષાકૌશલ્યોનું શિક્ષણ (૧૯૭૯)’માં વાક્-કૌશલ, લેખનકૌશલ, શ્રવણકૌશલ, વાચનકૌશલ -ની શિક્ષણસંબંધી સૈદ્ધાંતિક ચર્ચા કરી છે. ત્યાર બાદ પણ ‘વાક્-કૌશલ’(૧૯૮૮), ‘વાચનકૌશલ’ (૧૯૮૮) જેવી પુસ્તિકાઓ દ્વારા આ કૌશલ્યોની વધુ વિગતે ચર્ચા કરી છે. ‘પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષણ (૨૦૦૦)’માં બાળકને ભાષાનો બરાબર ઉપયોગ કરતા આવડે તે માટે તેના શિક્ષકે અને મા-બાપે કેવી સાવધાની વર્તવી જોઈએ અને કેવી પ્રયુક્તિઓ ઉપયોગી થઈ શકે તે અંગે વિશદ ચર્ચા કરી છે અને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ‘ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ’ (૨૦૦૨) નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.

લેખનકાર્યની સમાંતરે તેમણે ૧૯૮૧માં ‘ઈંગ્લિશ વર્ડ્ઝ ઈન ગુજરાતી – ધેર ફ્રિક્વન્સી એન્ડ સ્ટાઈલિસ્ટીક યુસેજીસ’ શીર્ષકથી સંશોધનકાર્ય કર્યું હતું. ‘ભાષા, સમાજ અને સાહિત્ય’ (૧૯૭૪)માં સાહિત્ય અને વિવેચનને ભાષાવિજ્ઞાન સાથે સાંકળીને શૈલીવિજ્ઞાન આધારિત કેટલાક અભ્યાસલેખોનું સંપાદન થયું છે. ત્યાર બાદ પણ પણ તેઓ શૈલીવિજ્ઞાન વિષયક અધ્યયન કરતા રહ્યા છે. ‘કવિતાની ભાષા’ (૧૯૭૫), ‘‘ડીમલાઈટ’માં ભાષાકલા’ (૧૯૮૧) ઉપરાંત, કેન્દ્રીય હિંદી સંસ્થાન, આગ્રાના ઉપક્રમે અનુક્રમે ‘સાહિત્યાસ્વાદ મેં ભાષા-વિવરણ કા મહત્ત્વ (૧૯૮૯૯) પાઠભાષાવિજ્ઞાન તથા સાહિત્યઃ કામાયની કે વિશેષ સંદર્ભ મેં (૧૯૯૧)’ જેવા સંશોધન લેખ રજૂ કર્યા છે. આ ઉપરાંત તેમણે સરસ્વતીચંદ્ર, પૂર્વાલાપ, સોરઠ તારાં વહેતાં પાણી, અખેગીતા, ધ્વનિ, માધવ ક્યાંય નથી (કાવ્ય અને નવલકથા – બન્ને) વગેરે કૃતિઓનો શૈલીવિજ્ઞાન તથા સંરચનાવાદની દૃષ્ટિએ ભાષાવૈજ્ઞાનિક અભિગમથી આસ્વાદ કરાવ્યો છે.

Sanman Patra

© Yogendra Vyas. All Rights Reserved.