શૈક્ષણિક દૃષ્ટિએ પરિણામોનું વિશેષ મહત્વ છે. પરિણામો જીવનમાં ઘણું શીખવનારા હોય છે. આવું જ એક પરિણામ નિમિત્ત છે મારા અને યોગેન્દ્ર વ્યાસ સાહેબના ગાઢ પરિચયનું. એ સમયે જીઆઇઇટી, અમદાવાદના નિયામકનો ચાર્જ મારી પાસે. ધોરણ 10 નું બોર્ડનું પરિણામ આવ્યું અને રાજ્યના વિદ્યાર્થીઓનું માતૃભાષા ગુજરાતીમાં નબળુ પરિણામ. ગુજરાતી માતૃભાષા હોવા છતાં વિદ્યાર્થીઓ તેમાં સારો દેખાવ નથી કરી શક્યા એ બાબત ચિંતાજનક હતી. આ માટે શું કરી શકાય ? એ પ્રશ્નના ચિંતનમાં ચિંતનમાં વ્યાસ સાહેબ જોડાયા અને શરૂ થયા જીઆઇઇટી, અમદાવાદ ખાતે ગુજરાતી વ્યાકરણના કાર્યક્રમોનો દોર. જીઆઇઇટીમાંથી ગુજરાતી વિષયના ધોરણ 10 માં સમાવિષ્ટ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એપીસોડ બનાવીએ જે એપીસોડ માત્ર પરીક્ષાની દૃષ્ટિએ નહી પણ સાહિત્યિક દૃષ્ટિએ રજૂ કરીએ. આ એપીસોડ શિક્ષકો માટે માર્ગદર્શન રૂપ હોય. એમ નક્કી થયું. આ એપીસોડ વિવિધ સ્વરૂપે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશું એમ પણ વિચારેલું.
વ્યાસ સાહેબ નિયમિત રીતે જીઆઇઇટી ખાતે આવે. સ્ટુડિયોમાં શુટીંગ થાય. પછીના તબક્કે એપીસોડનું એડીટીંગ અને બને ફાઇનલ એપીસોડ. આ રીતે ધોરણ 10નું ગુજરાતી ભાષાનું આખું પાઠ્યપુસ્તક અને આખું વ્યાકરણ તૈયાર. આ સમય દરમિયાન વ્યાસ સાહેબનું સાનિધ્ય પ્રાપ્ત થયું. વ્યાસ સાહેબનું વ્યક્તિત્વ એટલે સાચા અર્થમાં શિક્ષકનું વ્યક્તિત્વ. તેમના વાણી, વર્તન, વ્યવહારમાં શિક્ષક દેખાય. બહુ બોધપાઠ કે આદર્શ વાતોને સ્થાને આદર્શ વર્તન. આમ તો સાહેબ યુનિવર્સીટીના ભાષાભવનના નિયામક પદેથી નિવૃત્ત થયા. પણ, નિયામકપણું વર્તનમાં ક્યાંય ન દેખાય. તેમણે સંસ્થાને આપેલા યોગદાન માટે આભાર માનીયે તો કહે કે આભાર તો મારે તમારો માનવાનો હોય ! ગુજરાતના છેવાડાના શિક્ષક અને વિદ્યાર્થી સુધી તમે મને પહોચાડ્યો.
© Yogendra Vyas. All Rights Reserved.